Shutterstock 298855667 20%281%29

ગુજરાતી ભાષાની કાઠિયાવાડી બોલીની લાક્ષણિક્તાઓ

ગત અંકમાં આપણે ભાષા અને બોલી શું છે તેમની વચ્ચે શું તફાવત છે તે ગુજરાતી ભાષાના સંદર્ભે સમજ્યા. હવે આ અંકમાં ગુજરાતી ભાષાની કાઠિયાવાડી બોલી વિષે સમજીએ.

            મુસ્લિમ શાસન દરમ્યાન ગુજરાતનાં અમુક પ્રદેશને કાઠીયાવાડ એવા નામથી ઓળખવામાં આવતું. સૌરાષ્ટ્ર જેને સોરઠ પણ કહે છે તેમાં હાલાર, કાઠીયાવાડ, ગોહિલવાડ, બાબરિયાવાડ અને જેતવાડ  એ પાંચ જિલ્લાઓ આવતા. આ સમગ્ર પ્રદેશ પર ૧૯મી સદીના પ્રારંભકાળ દરમ્યાન કાઠીઓનું પ્રભુત્વ હતું જેથી આ પ્રદેશને કાઠીયાવાડ તરીકે ઓળખાવા લાગ્યો. હાલમાં પણ આ પ્રદેશ કાઠીયાવાડ કે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે. અત્યારે આ પ્રદેશમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં બોલાતી ગુજરાતીને કઠિયાવાડી બોલી તરીકે ઓળખવામાં આવે છે.

            પાછલા અંકમાં જણાવ્યું તેમ દરેક બોલીનું પોતાનું એક વિશિષ્ટ શબ્દભંડોળ હોય છે તેમ કાઠિયાવાડી ભાષાનું પણ વિશિષ્ટ શબ્દભંડોળ છે જેમાંથી અમુક શબ્દો નીચે મુજબ છે.  મોર થા – આગળ થા, ઝાલ – પકડ, નળ – નર, નો – નહીં કે ના, સોર – ચોર, છૈયેં – છીએ, પેન્ડો – પેંડો, હુખડી – સુખડી કે ગોળપાપડી, ઇમ નો હાલે – એમ ના ચાલે, તમે જાશો મા – તમે જશો નહીં, તું કરસ – તું કરે છે, એરુ કે હરપ – સાપ, અટાણે – અત્યારે, ભરાણો – ભરાયો, થાહે – થશે, સાંઢિયો કે હાંઢિયો – ઊંટ, ઘોડે – જેમ વગેરે અનેક વિશેષ શબ્દો છે જે ગુજરાતી ભાષાની અન્ય બોલીઓ કરતાં કાઠિયાવાડી બોલીને જુદી પાડે છે.

            આ ઉપરાંત બોલીની કેટલીક ઉચ્ચારણગત તથા વ્યાકરણગત વિશેષતાઓ પણ હોય છે, જેમકે કાઠિયાવાડી બોલીની એક ખાસ લાક્ષણિક્તા તે ‘ય‘ શ્રુતિનો બહોળો ઉપયોગ છે. જેમાં શબ્દને અંતે ઉમેરતી ‘ય‘ શ્રુતિ અને ભૂતકૃદંતનાં રૂપોમાં ‘ય‘ શ્રુતિનું પુર:સરણ જોવા મળે છે. દા.ત. નયથ – નથી, વાયત – વાત, કરસ્યું - કરશું , કયર – કર, બોયલી – બોલી.

            બીજી અગત્યની લાક્ષણિકતા જોઈએ તો, દર્શક સર્વનામ અને તે પરથી બનેલા રૂપોમાં ‘એ‘ ને સ્થાને ‘ઈ‘ નું ઉચ્ચારણ, જેમકે, ઈ આવહે – એ આવશે. ત્યારબાદ જોઈએ તો માન્ય ગુજરાતીના ‘સ‘ અને ‘શ‘ ને સ્થાને સૌરાષ્ટ્રીમાં અઘોષ ‘હ‘ ઉચ્ચારાય છે. દા.ત. હાચું – સાચું, થાહે – થશે, ખાહે – ખાશે. કઠિયાવાડીની પેટાબોલી હાલારીમાં વિવૃત્ત ‘ઑ‘ અને વિવૃત્ત ‘ઍ ‘ ને સ્થાને સંવૃત્ત સ્વરોનું જ ઉચ્ચારણ કરવામાં આવે છે. દા.ત. ગોળ (વર્તુળાકાર) ગૉ‌‌ળ (ખાવાનો) બંને સ્થાને ‘ ગોળ’ જ ઉચ્ચારાય છે. સોરઠના આહિરોમાં અનુનાસિક ઉચ્ચારણો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, દા.ત. કરીયેં સૈયેં – કરીએ છીએ, અમેં પછેં જાહું – અમે પછી જઈશું, તૈયેં – ત્યાર, સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ અનુસ્વારને બદલે અનુનાસિક વ્યંજન ઉચ્ચારવામાં આવે છે, જેમકે, પેન્ડો – પેંડો, ગાન્ડો – ગાંડો.

            કાઠિયાવાડી બોલીની વ્યાકરણગત બાબતમાં જોઈએ તો, માન્ય ગુજરાતીમાં બહુવચનમાં ‘ ઉ ‘ પ્રત્યય લાગે છે જ્યારે કાઠિયાવાડીમાં ‘ઓ ‘ પ્રત્યય લાગે છે, દા.ત. છોકરિયું – છોકરીઓ, માણહુ – માણસો. આકારાંત ધાતુઓના ‘આ’ કારની જાળવણી એ એક વિશિષ્ટ અને વ્યાપક લાક્ષણિકતા છે, જેમકે, થાવું, જાવું, થાશે, જાહે વગેરે. ભવિષ્યકાળમાં પ્રથમ પુરુષ બહુવચનમાં ‘ઈશ’ ને બદલે  ‘શ‘ વાળા રૂપો વપરાય છે. જેમકે, ખાશું – ખઈશું, બોલશું – બોલીશું, કરશું – કરીશું, વગેરે. કર્મણિમાં ભૂતકાળમાં  ‘ય‘ ને બદલે  ‘ણ‘ વાળુ રૂપ વપરાય છે, જેમકે, ભરાણો – ભરાયો, જવાણું – જવાયું, વગેરે.

            ઉપરોક્ત લાક્ષણિકતાઓને આધારે કાઠિયાવાડી બોલી માન્ય ભાષા કે અન્ય ગુજરાતી બોલી કરતાં જુદી પડે છે. ઉપરોક્ત લાક્ષણિક્તાઓની સાથે સાથે આરોહ અવરોહ એટલેકે intonation, સ્વરભાર એટલે કે stress, સૂર (tone) વગેરે બાબતો પણ બોલીની વિશેષ લાક્ષણિક્તાઓમાંથી એક હોઈ શકે. ગુજરાતી ભાષાના સંદર્ભમાં આ વિષય ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરવાની જરૂર છે.

            હવે પછીના અંકમાં ગુજરાતી ભાષાની બીજી એક બોલીની લાક્ષણિક્તાઓ વિષે જાણવાનો પ્રયત્ન કરીશું.


Dr Vinu Chavda: Worked for Longman dictionary English to Gujarati, Microsoft Vista Gujarati, Bharatiya Bhasha Jyoti - Gujarati and other projects with Central Institute of Indian Languages; PhD research on Intonation Patterns of Gujarati; taught Gujarati Language to foreign students, and also worked with Educational Initiatives as a Language Expert for content developer, with Matrubhasha Abhiyan as a coordinator for language tasks. Right now working on Gujarati language Documentation project as a Post Doc. Fellow at Cape Town University