Gujarati 20types

ગુજરાતી ભાષામાં વાક્ય અને તેના પ્રકારો

ભાષાના બોલાતા અને લખાતા સ્વરૂપમાં આપણને જે સંભળાય કે વંચાય છે તે શબ્દો કોઈ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાઇ એક અર્થ પૂર્ણ રીતે સમજાવે છે. આવી રચનાઓને વ્યાકરણશાસ્ત્રીઓ વાક્ય તરીકે ઓળખે છે. અહી એ વાત સમજવી જરૂરી  છે કે માત્ર શબ્દો ગોઠવવાથી વાક્ય બનતું નથી પણ જે શબ્દો દ્વારા ચોક્કસ ગોઠવણી બાદ એક વિચારને પૂર્ણ રીતે પ્રગટ કરે તેને વાક્ય કહી શકાય.

ઉદાહરણ તરીકે,

સમજાઈ રાત્રે ભૂલ, પહેલા મને સૂતા.

ઉપર, માત્ર શબ્દો આડાવળી છે અને તેને વાક્ય ના કહેવાય. હા, કદાચ કોઈ કાવ્યની પંક્તિ હોઇ શકે. પરતું, જો તેને નીચે મુજબ ગોઠવીએ તો તે વાક્ય બને:

રાત્રે, સૂતા પહેલા મને ભૂલ સમજાઈ.

અહી વાક્યમાં શબ્દોનો ક્રમ અને તેમાં રહેલો વિચાર સ્પષ્ટ થાય છે તેથી તેને વાક્ય કહી શકાય. એટલે કે શબ્દોની ગોઠવણ અર્થપૂર્ણ રીતે થઈ કોઈ એક ચોક્કસ વિચાર પ્રગટ તે વાક્ય. આ વાક્યને લખવાની કે બોલવાની એક યોજના છે. બીજા ઉદાહરણોથી સમજીએ.

૧. માયા દોડી.

૨. માયા સ્પર્ધામાં દોડી.

ઉપરના વાકયોમાં ‘માયા’, ‘દોડી’, ‘સ્પર્ધા’ અને ‘માં’ વાકયના વિવિધ અંગો છે. આ  વાકયો માં ક્રિયાપદ તરીકે ‘દોડવું’ નો પ્રયોગ થયો છે અને આ દોડવાની ક્રિયાને ‘માયા’ નામની કોઈ વ્યક્તિ કરી રહી છે જેને આપણે ગુજરાતીમાં ‘કર્તા’ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ‘સ્પર્ધા’ ને ‘સંજ્ઞા’ તરીકે ઓળખીશું અને ‘માં’ એ વિભક્તિ પ્રત્યય છે. વાક્ય (૧) માં માત્ર બે જ શબ્દોથી વાક્ય અને તેનો અર્થ સમજાય છે જ્યારે વાક્ય (૨) વધારાના શબ્દો ઉમેરવાથી અર્થ વધુ સ્પષ્ટ બને છે અને સંદર્ભ પૂરો પાડે છે. બંને વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છે. વાક્ય (૨) માં ‘સ્પર્ધા’ કર્મ તરીકે વપરાય છે અને ‘માં’ એ વિભક્તિ પ્રત્યય છે. આમ, ગુજરાતીમાં એક સાદી વાક્યરચનાને  નીચે મુજબ દર્શાવી શકાય.

અહી, ‘ખાવી’ એ ક્રિયાપદનું રૂપ છે અને ‘છે’ એ સહાયકારી ક્રિયાપદ છે. જો, આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે નીચેનું ઉદાહરણ તપાસો.

શું મારે કેરી ખાવી છે?

અહી ‘શું’ અને ‘?’ ચિહ્ન સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે. અહી, ‘શું’ ને સ્થાને ‘કોણ’, કેમ’, અને ‘ક્યારે’ જેવા શબ્દોનો પ્રયોગ કરી પ્રશ્નનો ઉદ્દેશ અને હેતુ બદલી શકાય. તેવી જ રીતે, ‘કેરી’ને સ્થાને ‘શું’ પૂછવાથી જવાબ  સાવ અલગ જ મળશે.

મારે શું ખાવું છે?

આ તો થઇ પ્રશ્નની વાત. પણ જો આશ્ચર્ય વાક્ય બનાવવું હોય તો?

આ દાડમ કેવું મીઠું છે!

અહી ‘!’ ચિહ્ન વકતાના આશ્ચર્યના ભાવ દર્શાવે છે જ્યારે ગુસ્સાના ભાવ માટે,

તું ચૂપ રહીશ!

આજ્ઞા માટે, બારી ખોલતો, ઝડપથી ચાલ અને પાણી આપ જેવા વાક્યોમાં ક્રિયાપદ અગત્યની ભૂમિકા ભજવે છે. અહી કર્તાનો ઉલ્લેખ કરવો જરૂરી નથી. આમ, ગુજરાતી ભાષામાં કુલ પાંચ પ્રકારની રચનાઓ જોવા મળે જે વાક્યમાં આવતા પ્રયોજન કે કાર્યને આધારે પાડી શકાય. ગુજરાતી ભાષાની એક આગવી લાક્ષણિકતા એ છે કે વાકયોને તેમના આરોહ અવરોહ પરથી પારખી શકાય અને તે રીતે એક જ વાક્યને અલગ-અલગ રીતે બોલી તેમજ સમજી શકાય. તેથી જ, ગુજરાતીમાં પણ અન્ય ભાષાની જેમ આરોહ અવરોહને સમજતા યોગ્ય અવગમન થાય છે. 

ઉપરના દરેક વાક્યમાં કર્તાને મહત્વ આપાયું છે અને કર્મ ગૌણ સ્થાને છે અને આ વાકયોને કર્તરિ વાક્ય કહે છે જ્યારે જે વાક્યમાં કર્મ કેન્દ્ર સ્થાને હોય અને કર્તા ગૌણ સ્થાને હોય તેવા વાક્યને કર્મણિ વાક્યો તરીકે ઓળખાય છે.

દાખલા તરીકે,

૧. શૈલેષ લખોટી રમે છે.

૨. શૈલેષથી લખોટી રમાય છે.

વાક્ય (૧) માં ક્રિયાનો કરનાર ‘શૈલેષ’ કેન્દ્ર સ્થાને છે અને તેથી તે કર્તરિ વાક્ય છે જ્યારે વાક્ય (૨) માં ક્રિયાપદ એટલે કે રમવાની ક્રિયા કેન્દ્ર સ્થાને છે નહી કે ક્રિયા કરનાર જે ‘થી’ પ્રત્યય દ્વારા વ્યક્ત થાય છે અને આવી રચનાને કર્મણિ વાક્ય કહે છે.

હવે પછી, આપણે ઉપરના દરેક વાક્ય ના પ્રકાર ની સમજૂતી મેળવીશું.