Navrati 2 header

નવરાત્રી: સૌથી લાંબો નૃત્યનો તહેવાર

નવરાત્રી એ હિંદુ-સનાતન ધર્મ નો ખૂબ જ પ્રચલિત તહેવાર છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાત એમ થાય. આ નવ રાત દરમ્યાન માતાજીના શક્તિ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ધર્મનો અધર્મ પરનો વિજયના પ્રતીક રૂપે આ તહેવાર ઉજવાય છે. ‘મા’ આધ્યશક્તિ જગદંબા દેવો સાથે મળી અસુર મહિશાસુરનો વધ કરે છે તેવી દંતકથાઓ પૌરાણિક સાહિત્યમાં મળે છે. શક્તિની પૂજા જીવન-મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે છે. નવરાત્રીનો  તહેવાર એ હિંદુઓ માટે નારી શક્તિની આરાધનાનો રૂડો અવસર છે. આમ નવરાત્રી  એટલે નવ રાત સુધી સ્ત્રીના માના સ્વરુપની અખંડ આરાધના.

નવરાત્રીની ખાસિયત તો એ છે કે 'પિતૃપ્રધાન' ગણાતા ભારતીય સમાજમાં આ તહેવાર ખૂબ જ સૂક્ષ્મ રીતે લૈંગિક સમસ્યાનું નિરાકરણ આપે છે. અસુરોનો વધ કરવા દેવો દેવીનું આહ્વાન કરે જે દર્શાવે છે કે સ્ત્રી અને પુરુષ સાથે મળી કાર્ય કરે અને એકબીજાને પ્રોત્સાહીત કરી નવરચનામાં પોતાનુ આગવું પ્રદાન કરે. વિક્રમ સવંત આસો માસના સુદ પક્ષ એકમથી નોમ સુધી નવરાત્રી ઉજવાય છે અને ચૈત્ર માસમાં પણ નવરાત્રી ઉજવાય છે.

‘મા’ જગદંબાના ત્રણ મુખ્ય રૂપો છે જેમ કે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી. આમ તો હિંદુ ધર્મ પ્રમાણે ‘મા’ના ઘણા રૂપો છે પણ નવરાત્રીમાં  પહેલાં ત્રણ દિવસોમાં શૈલપુત્રીમા, બ્રહ્મચારીણીમા અને ચંદ્રઘંટામાની વંદના કરવામાં આવે છે. તો બીજા ત્રણ દિવસોમાં, કુશમંદા, સ્કંદમાતા અને કાત્યાયનીમાની પૂજા કરવામાં આવે છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસોમાં, કાલરાત્રી, મહાગૌરી અને સિધ્ધીરાત્રીની આરાધના થાય છે. આ રુપો મૂળ તો એક જ છે પણ જેમ નદી,  ઝરણાં અને ધોધ અલગ નામથી ઓળખાય છે પણ તેમનું મૂળ તત્વ તો પાણી જ રહે છે તેવી જ રીતે ‘મા’ ના જુદાજુદા રૂપની અર્ચના કરવામાં આવે છે પણ અંતે તો શક્તિની જ ઉપાસના થાય છે.  

ગરબો ગુજરાતી શબ્દ છે જે સંસ્કૃત શબ્દ ‘દીપગર્ભો ઘટ’ પરથી ઉતરી આવ્યો છે. જેમાંથી ‘ઘટ’ સમયાંતરે લુપ્ત થાય છે અને ‘દીપગર્ભો’ જળવાઇ રહે છે. જો કે તેમાં પરિવર્તન થતાં થતાં ‘ગરભો’ અને અંતે ‘ગરબો’ તરીકે પ્રચલિત થાય છે. ટુંક્માં, ગરબો એટલે માથા પર માટીના વચમાં ઘડામાં દીવો રાખી તાળી પાડતાં વર્તુળાકારમાં નૃત્ય કરવું.   તેવી જ રીતે ખેલૈયાઓ હાથમાં દાંડીયા લઇ નૃત્ય કરે તે રાસ.

આ ધાર્મિક તહેવારની સાથોસાથ સાંસ્કૃતિક તહેવાર પણ છે. ગરબા  એ ગુજરાતની આગવી ઓળખ છે લોકનૃત્ય પણ છે. આમ તો બે તાળી, ત્રણ તાળી, રાસ અને હિંચ એ તેની અલગ અલગ રીતો છે પણ જમાના સાથે આ રૂપોમાં પણ ફેર બદલ કરી નવી નવી રીતો શોધી યુવાનો ગરબાની રમઝટ બોલાવે છે. ગરબામાં નૃત્યની સાથે ગવાતા ગીતો એટલે કે ગરબાને પ્રાચીન અને અર્વાચીન એમ બે ભાગમાં વહેંચી શકાય. હવે તો ચલચિત્રોના ગીતોને ગરબાના લયમાં ઢાળી તેના પર પણ ખેલૈયાઓ ઝૂમે છે. ગરબામાં નવા પ્રયોગોમાં દોઢીયું, રમઝણીયું, પોપટિયું, સાંકળ, કાતરીયું, સનેડો, સેલ્ફિ ગરબા, સાલ્સા ગરબા અને બીજા ઘણાં પ્રયોગો થાય છે. સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ ગરબા દ્વારા ભાષાકીય પ્રયોગો પણ થાય છે.

પારંપારીક રીતે તો નવરાત્રીનો કોઇ ચોક્ક્સ પહેરવેશ નથી પણ આધુનીક યુગમાં ટી.વી. અને ફિલ્મોની અસરને લીધે યુવકો અને યુવતીઓમાં અવનવા સાંપ્રત વસ્ત્રોને પાંરપરિક રીતે પહેરવાનો ખાસ ચસ્કો લાગ્યો છે. જેમકે ડિઝાઇનર ચણીયા ચોળી, લાઇટવાળી ચણીયા ચોળી, કેડીયું, ધોતિયુ, ચોયણો, ફેંટો, પાઘડી, કોટી, કમર પટ્ટો વગેરે વૈવિધ્ય પૂર્ણ વસ્ત્રો  અને તેમાં જાત જાતના ભરત ગુંથણ અને તેના પર ભાત ભાતનાં આભલા, ટીલડી, ઝૂમખા, મોતી, ગોટા, લટકણ વગેરે સજાવવાના. ગરબા આયોજકો દ્વારા સૌથી સુંદર વસ્ત્ર ધારણ કરનારને ઇનામ પણ આપવામાં આવે છે જેથી યુવાનોમાં આવા વસ્ત્રો પહેરવાની હોડ લાગી હોય છે.    

આ નવ દિવસ બાદ દસમો દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવાય છે, જેનું હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. મા શક્તિનો મહિશાસુર પર વિજય તથા ભગવાન શ્રી રામનો લંકાપતિ રાવણ પર વિજય એમ બે પૌરાણિક પ્રસંગો આ તહેવાર સાથે જોડાયેલા છે. ગુજરાતમાં અને ભારતમાં નવરાત્રીના નવ દિવસ પછી દશેરા ઉજવાય છે, જેમાં રાત્રે રાવણ દહન કરવામાં આવે છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનુ પણ એક નવું ચલણ શરુ થયું છે. બંગાળમાં આ નવ દિવસો દરમયાન મા દુર્ગાની પુજા કરી દશમીને દિવસે મુર્તી વિસર્જન કરવામાં આવે છે તો ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં નવરાત્રી દરમિયાન રામલીલા ઉત્સવ કરવામાં આવે છે જેમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.

નવરાત્રીએ  સમગ્ર ભારતમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે, જે દુનિયનો સૌથી લાંબો ધાર્મિક ઉત્સવ છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઉજવાતો દુનિયાનો સૌથી લાંબો નૃત્યોત્સવ છે. દુનિયાના દરેક ખુણામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ત્યાં આ ઉત્સવ ઉજવાય છે. આમ નવરાત્રી એ માત્ર ધાર્મિક, સામાજીક અને સાંસ્કૃતિક તહેવાર જ નથી પણ ગુજરાતની અસ્મિતાનું એક સીમાસ્તંભ પણ છે.