બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આસન માંડવું (ઊભા હોય કે સૂતા હોય તેમાંથી).

 • 2

  નીચે આવવું; ઊતરવું (ભાવ; કચરો; જમીન ઇ૰).

 • 3

  બંધબેસતું આવવું (ડગલો).

 • 4

  શરૂ થવું (ઋતુ; વર્ષ).

 • 5

  (ફળફૂલનું) આવવું.

 • 6

  કિંમત લાગવી; મૂલ પડવું.

 • 7

  લાગવું; ચોટવું; (પાસ, ડાઘ, રંગ, વાસ).

 • 8

  પેસી જવું; વાગવું; લાગવું. ઉદા૰ હાથમાં ચપ્પુ બેઠો.

 • 9

  સ્થાપિત થવુ; જારી થવું; કામમાં લાગવું. ઉદા૰ જપતી બેઠી; કોર્ટ બેઠી; દશા બેઠી (કામ પર કે ઘેર) દરજી સુતાર ઇ૰ બેઠો છે-બેસાડ્યો છે; નિશાળે બેસવું.

 • 10

  અર્થ સમજાવો; રીત પ્રમાણે ગોઠવવું (હિસાબ; કોયડો; વાક્ય).

 • 11

  વળવું; સ્થિર થવું ઉદા૰ ચીતરવામાં તેનો હાથ બેઠો છે.

 • 12

  કામકાજ વિના પડી રહેવું. ઉદા૰ ભાઈ શું કરે છે?.

 • 13

  જાડું-ખોખરું થવું. ઉદા૰ ગળું બેસી ગયું.

 • 14

  રાહ જોવી; ખોટી થવું. ઉદા૰ બેસીને હું તો થાક્યો.

 • 15

  કસ કે તીક્ષ્ણતા દૂર થવાં (કપડું; ધાર).

 • 16

  આધાર વિનાનું-તેજ વિનાનું થઈ જવું; ભાગી પડવું. ઉદા૰ ઘર બેઠું=પતિ, પત્ની, કે છોકરાં વિનાનું, ટેકા કે માલ વિનાનું થયું.

 • 17

  વ્યાપવું; જામવું. ઉદા૰ કરપ બેસવો.

 • 18

  બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા શરૂ કરવી, વળગવું-મંડવું એવો અર્થ બતાવે છે. ઉદા૰ રડવા-ખાવા-ગાવા-ભાગવા બેઠો. અથવા અચાનક કે ભૂલથી તે કરી નાખવું એવો અર્થ બતાવે છે. ઉદા૰ લખી બેઠો; બોલી બેઠો.

મૂળ

अप. बइस. बईस; प्रा. बेस