નીકળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીકળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (અંદરથી કે આરપાર થઈને) બહાર આવવું કે જવું (જેમ કે, ઓરડીમાંથી, છીંડામાંથી નીકળવું; નાકામાંથી દોરો નીકળવો).

 • 2

  જવું; પસાર થવું (જેમ કે, આ રસ્તે નીકળજો).

 • 3

  વીતવું; ગુજરવું (જેમ કે કલાક નીકળી ગયો).

 • 4

  પ્રગટવુ; બહાર પડવું; ઝરવું; ઊગમ થવો (જેમ કે, નદી, નહેર, ઝરણું, ઝરો).

 • 5

  છૂપું કે દૃષ્ટિ બહાર હોય તેણે દેખા દેવી; દેખાવું; ઉદય થવું (જેમ કે, ચંદ્ર, સૂર્ય, ચાંદની, તાપ; અથવા છૂપું છાનું કાંઈ પણ જડવું કે હાથ લાગવું. જેમ કે, ચોરીનો માલ).

 • 6

  અંદરથી પેદા થવું, બનીને બહાર આવવું (જેમ કે, તેલ ઘી નીકળવું; ગૂમડું બળિયા નીકળવાં).

 • 7

  છૂટવું; મુક્તિ થવી (જેમ કે કેદમાંથી; કામમાંથી; દેવામાંથી; મુશ્કેલીમાંથી; ધંધામાંથી રોકાણ નીકળવું).

 • 8

  દૂર થવું; હઠવું (જેમ કે, ડાઘો, રંગ).

 • 9

  નીવડવું; પાકવું; કસોટીમાં નણાવું (જેમ કે, છોકરો ખરાબ નીકળ્યો; રૂપિયો ખોટો નીકળ્યો).

 • 10

  રચાઈને પ્રસિદ્ધ થવું; બહાર પડવું (જેમ કે, કાયદો, છાર્પું, ચોપડી).

 • 11

  શરૂ થવું; ચાલવું; ઊપડવું (જેમ કે, વાત, ચર્ચા નીકળવી, અથવા રેલવે, સડક, ગાડી નીકળવી).

 • 12

  તપાસતાં કે હિસાબ કરતાં જે (લેણ દેણ) હોય તે જણાવું (જેમ કે, માંગતું નીકળવું; દેવાળું નીકળવું; હિસાબે જે નીકળે તે ખરું; ભૂલ નીકળવી; દોષ નીકળવો).

 • 13

  બીજી ક્રિયાના કૃદંત સાથે આવતાં, તે કરવાનું આરંભવું, તેને માટે બહાર પડવું, ઊપડવું એવો ભાવ બતાવે છે. જેમ કે, જવા નીકળવું.

 • 14

  'આવવું' 'જવું' 'પડવું' ક્રિ૰ ની સહાયમાં 'નીકળી' કૃ૰ તરીકે આવતાં નીકળવાનુંઝટ ને બરોબર થવાનો ભાવ બતાવે છે.

મૂળ

જુઓ નિકાલ, સર૰ हिं. निकलना