Gujarati 20gender

ગુજરાતી ભાષામાં લિંગ

દરેક ભાષામાં વપરાતી સંજ્ઞાનોએ ચોક્કસ લિંગ કે જાતિ હોય છે જે શારીરિક રચનાના આધારે ઓળખવામાં આવે છે. આમ ભાષાની સરળતા જાળવવા કરાય છે અને તેનો સંબંધ ભાષાના સમૃદ્ધત્વ અને વિકાસ સાથે છે.

સામાન્ય રીતે, કોઈ પણ  ભાષામાં ત્રણ લિંગ જોવા મળે છે: ૧) નર એટલે કે પુલ્લિંગ, ૨) નારી એટલે કે સ્ત્રીલિંગ અને ૩) નાન્યતર એટલે કે નપુસકલિંગ. સજીવો એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ માટે આપણે ત્રણેય લિંગનો ઉપયોગ કરે શકીએ જ્યારે નિર્જીવ ચીજો માટે નપુસકલિંગ ક્યારેક વપરાય. અંગ્રેજી ભાષામાં માત્ર નિર્જીવ ચીજો માટે જ નપુસકલિંગ વપરાય જ્યારે ગુજરાતી ભાષામાં નિર્જીવો માટે પણ ત્રણ લિંગનો ઉપયોગ થાય છે.  ઉદાહરણ તરીકે, પેન કેવી છે, પાણી પીધું અને મોબાઈલ લીધો. આ ઉદાહરણોમાં ઘાટા શબ્દો લિંગ દર્શાવે છે. જોકે દરેક ભાષાની જેમ ગુજરાતીમાં પણ અપવાદ છે જે આપણે સમયાંતરે જોઈશું.

વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બાળક સજીવ હોવા છતાં તેના માટે કેવું છે તેમ લિંગ દ્વારા નિર્દેશ થાય છે. પણ જ્યારે તે બાળક સ્ત્રી છે ત્યારે તેના માટે બાળકી વપરાય અને બાળક આમ પુરુષ હોવા છતાં તેના માટે નાન્યતર લિંગનો વપરાશ થાય છે. તો, સાથોસાથ લિંગની મદદથી ઉમર અને માનવીય સંબંધો દર્શાવી શકાય. દાખલા તરીકે, છોકરો-છોકરી, યુવાન-યુવતી અને કાકા-કાકી, માસા-માસી, ફોઇ-ફુઆ,  ભાઈ-બહેન, અને દાદા-દાદી તેમજ પતિ-પત્ની અને દીકરો-દીકરી. વહુ-સાસુ, દેરાણી-જેઠાણી-નણંદ જે હંમેશા નારી જાતી એટલે કે સ્ત્રીલિંગ દર્શાવે છે પરંતુ સસરા-જમાઈ-જેઠ-દિયર-નણદોઈ નરજાતિને એટલે કે પુલ્લિંગનો નિર્દેશ કરે છે. તો પછી, છોકરું કયા લિંગમાં આવશે? બરાબર, નપુસકલિંગ કહેવાશે. બિલાડી-બિલાડો તો ખબર પડે પણ બિલાડું-કૂતરું-ગધેડું કયા લિંગમાં આવશે કે પછી તેનો ઉપયોગ કઈક અલગ રીતે છે? પ્રાણીઓના બચ્ચાઓને માટે ક્યારેક આ પ્રકારથી નાન્યતરજાતિ નો ઉપયોગ થાય છે.

હવે જોઈએ, શરીરના અંગો. આંખ, જીભ, જાંઘ, પાંપણ, આંગળી અને હોજરી વગેરે જેવા શબ્દો સ્ત્રીલિંગ માં વર્ગીકૃત કરી શકાય જ્યારે ખભો, અંગુઠો, અને ઢીંચણ પુલ્લિંગમાં આવે. તો પછી, કાંડુ, નાક અને માથું નપુસકલિંગ ગણાય. શું તમે તમારા અંગોને આ રીતે ઉદાહરણો સાથે વર્ગીકૃત કરી શકો?

ચાલો, અઠવાડિયાના દિવસો- મહિના, અને ઋતુઓ, પર્વતો અને નદીઓના લિંગ તપાસીએ. મજાનો રવિવાર, છેલ્લો શનિવાર, શ્રદ્ધાનો શ્રાવણ, ધગધગતો જેઠ અને ચોમાસું કેવું? ને વળી, જુનાગઢનો ગિરનાર, કચ્છનો કાળો ડુંગર અને પાલીતાણાનો શેત્રુંજય અને અમદાવાદની સાબરમતી, સુરતની તાપી અને વડોદરાની વિશ્વામિત્રી. આવી રીતે, દરિયા, સમુદ્ર અને પવન અને અવકાશીય પદાર્થોને અને દિશાઓના નામને પણ ત્રણ લિંગ માં વિભાજીત કરી શકાય. ચાલો, કહો જોઈએ કે દિવસના ભાગો જેવા કે સવાર, બપોર અને સાંજ કયા લિંગમાં આવશે?

વચન આપ્યું, પ્રેમ કર્યો, વતન ગયો અને વાત થઈ, ગુસ્સે થયો, જીત મેળવી જેવી ભાવવાચક કે અમૂર્ત સંજ્ઞાઓ માટે લિંગ નો ઉપયોગ તમના સંદર્ભને સમજીને કરવો જોઈએ. તેવી જ રીતે, બિન-ગુજરાતી ભાષાના શબ્દોને જે તે ભાષાના લિંગ લાગુ પાડી શકાય કે જાળવી રાખવામા આવે છે. ઉદાહરણ તરીકે, બુક કેવી છે? ગઝલ સાંભળી? ગૃહ પ્રવેશ કર્યો? ગુજરાતી ભાષામાં લિંગ વિષે કોઈએ ઊંડાણપૂર્વકના સંશોધનની જરૂર જણાઈ રહી છે જેથી આ વિષય પર ચોક્કસ નિયમો કે બંધારણ વિષે વિસ્તૃત સમજ કેળવી શકાય. જો તમે આ બાબતે કોઈ માહિતી ધરાવતા હોય તો ચોક્કસથી ઓજીએલનો સંપર્ક કરો.

આમ, ઉપરોક્ત ઉદાહરણના આધારે સમજી શકાય કે ગુજરાતીમાં લિંગ વ્યાકરણ સાથે જોડાયેલુ એક અગત્યનું ઘટક છે. અહી લિંગ અને ગુજરાતીમાં આવતા પ્રત્યયોની મદદથી સમજી શકાય. પ્રત્યય એ નામ કે સંજ્ઞાની આગળ કે પાછળ લાગી શકે જેના વિષે આવતા અંકોમાં વિગતથી ચર્ચા કરવામાં આવશે. સામાન્ય રીતે, લિંગને લગતા પ્રત્યયો પાછળ લાગે. નીચેના કોઠા પરથી લિંગની પાછળ પ્રત્યય લાગતાં લિંગ અને વચન પરીવર્તન થાય છે તે તમે જોઈ શકો છો:

લિંગ                                        
એકવચન                                  
બહુવચન
પુલ્લિંગ
છોકરો                                      
છોકરાં/છોકરાઓ                      
સ્ત્રીલિંગ
છોકરી  
છોકરીઓ
નાન્યતર          
છોકરું  
છોકરાં/છોકરાઓ

           

તો, આજે આપણે ગુજરાતી ભાષામાં લિંગ વિશે એક સામાન્ય ખયાલ કેળવ્યો અને તેની પ્રાથમિક સમજૂતી મેળવી.