Shutterstock 1105712675 20%281%29

ભાષા અને બોલી : ગુજરાતી ભાષાના સંદર્ભે

આ લેખમાં ભાષા અને બોલી વચ્ચેના તફાવતને સમજાવવા તથા ગુજરાતી ભાષાની બોલીઓ વિષે માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સંસ્કૃત શબ્દ ‘ભાષ’ પરથી ભાષા અને ‘બોલ’ પરથી બોલી, એમ ગુજરાતીમાં ભાષા અને બોલી શબ્દો આવેલા છે. ભાષા અને બોલી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે બોલી એ ભાષાનું અનૌપચારિક સ્વરૂપ છે.  દા.ત. કોઈ વ્યક્તિ ઓફિસમાં પોતાના સહકર્મચારી સાથે વાત કરે ત્યારે ભાષાના ઔપચારિક સ્વરૂપનો ઉપાયોગ કરે છે, જેમકે, કોઈ ઉપરી અધિકારી પોતાના પટાવાળાને પાણી મંગાવતા કહેશે કે, “ ભાઈ બે ગ્લાસ પાણી લાવજો.” એ જ અધિકારી ઘરમાં પોતાની પત્ની કે અન્ય કોઈ સભ્યને તે જ વાત કઇંક આવીરીતે કહેશે, “ બે પાલા પોણી લાવજે.” અહીં ઘરનાં સભ્યો સાથે તે અધિકારી પોતાની બોલીમાં અવગમન કરે છે, જે ભાષાનું અનૌપચારિક સ્વરૂપ છે.

            આપણે ઘણીવાર માન્ય ભાષા અને બોલી, શુદ્ધ ભાષા અને કિચન ગુજરાતી આવા ભેદ દર્શાવતા પ્રયોગો સાંભળ્યા છે. અહીં આપણને પ્રશ્ન થાય કે માન્ય ભાષા એટલે શું? માન્ય ભાષા એટલે જે ભાષા જે તે રાજ્ય કે પ્રદેશની રાજભાષા, કારોબારી ભાષા તથા શિક્ષણની ભાષા છે તે. જ્યારે બોલી એ કોઈ ચોક્કસ જનસમુદાય કે પ્રદેશમાં વસતા લોકો દ્વારા રોજિંદા જીવનમાં બોલચાલમાં બોલતી ભાષા છે તે. આગળ જણાવ્યું તેમ ભાષાનો વપરાશ કોની સાથે અવગમન સાધવા કરવામાં આવે છે તે પણ અગત્યની બાબત છે. કાર્યસ્થાન પર બોલતી ભાષા અને ઘરમાં બોલતી ભાષામાં કઇંક જુદાપણું તો હોય છે  જ.

            માન્ય ભાષાના લક્ષણો સર્વસામાન્ય હોય છે એટલેકે જ્યાં જ્યાં પણ ગુજરાતી માન્ય ભાષા વપરાતી હોય ત્યાં ત્યાં તેના લક્ષણો એક સરખા જ રહેવાના જ્યારે બોલી માટે તો ગુજરાતીમાં ખુબ જ સરસ કહેવત છે, ‘બાર ગાઉ એ બોલી બદલાય’ આ પરથી સમજી શકાય કે ગુજરાતી ભાષાની બોલચાલની ભાષા કે બોલીઓનું કેટલું બહોળું વૈવિધ્ય રહેલું છે. જેમાં શબ્દપ્રયોગ, ઉચ્ચારણ, વાક્યપ્રયોગ, સ્વરભાર વગેરે જેવી વ્યક્તિગત લાક્ષણિક્તાઓનો પણ સમાવેશ થાય છે. તેની સાથે સાથે ભૌગોલિક અને સાંસ્ક્રુતિક લાક્ષણિક્તાઓ પણ બોલીના વૈવિધ્યમાં વધારો કરે છે. અમેરિકન ભાષાવિજ્ઞાની ચાર્લ્સ હોકેટના મત મુજબ દરેક વ્યક્તિની પોતાની એક બોલી હોય છે જેને હોકેટ અંગ્રેજીમાં Idiolect એટલે કે Individual Dialect તરીકે ઓળખાવે છે.

માન્ય ભાષામાં ઉચ્ચારણની, જોડણીની, વ્યાકરણના નિયમોની કાળજી રાખવામાં આવે છે. તેથી જ માન્ય ભાષાએ એકસૂત્રતા, એકવાકયતા લાવવાનું કાર્ય કરે છે. દા.ત. કોઈ કાઠિયાવાડી વ્યક્તિ જો ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં આવેલ સુરત કે ભરુચ જાય અને તે પોતાની કાઠિયાવાડી બોલીમાં બોલે તો તેની વાતચીતને સંપૂર્ણ પણે કદાચ ત્યાંના લોકો ન સમજે. તેવી જ રીતે તે લોકોની બોલીને આ કાઠિયાવાડી વ્યક્તિ ન સમજે, પરંતુ માન્ય ભાષાના ઉપયોગથી તેમની વચ્ચેની વાતચીત સરળ બની શકે. આથી કહી શકાય કે બોલી એ પ્રદેશિક રીતે અમુક ભૌગોલિક સીમાઓ સુધી મર્યાદિત હોય છે જ્યારે ભાષાનો વ્યાપ બોલીની સરખામણીમાં વધારે છે.  

            ગુજરાતી ભાષાવિજ્ઞાની યોગેન્દ્ર વ્યાસના મતે માન્ય ભાષા અને બોલી વચ્ચેનો તફાવત સાંસ્કૃતિક છે ભાષાકીય નથી. તેઓ માન્ય ભાષાને મોભાની ભાષા છે તેમ જણાવે છે, તે પાછળ રહેલા કારણો પણ તેમણે વિસ્તારથી દર્શાવ્યા છે. બોલીનો અવગમન વિસ્તાર સીમિત છે જ્યારે ભાષાનો વ્યાપ મોટો હોય છે. માન્ય ભાષા એ બધી બોલીઓ વચ્ચે સેતુ રૂપ કાર્ય કરે છે. બોલી એ કોઈ ચોક્કસ પ્રદેશ પુરતી મર્યાદિત છે. માન્ય ભાષા ઔપચારિક સંબંધોમાં આવકાર્ય છે જ્યારે અનૌપચારિક સંબંધોમાં બોલી એ હ્રદય સુધી સ્પર્શવાનું કામ કરે છે. બોલીએ વ્યક્તિનું પોતાનું અંદરનું વ્યક્તિત્વ છે જ્યારે ભાષા એ કેળવાયેલું સ્વરૂપ છે. માન્ય ભાષા નો વપરાશ રેડિયો, સમાચારપત્રો, પાઠ્યપુસ્તકો, વહીવટી કક્ષાએ અને રાજભાષા તરીકે થાય છે તેથી તેનો મોભો વધારે છે.

            ભાષા અને બોલીની ઔપચારિક્તા અને અનુપચારિકતાને સમજવા માટે નેલ્સન મંડેલા ખુબજ સરસ વાત કરે છે કે, “If you talk to a man in a language he understands, that goes to his head. If you talk to him in his language, that goes to his heart.“ અર્થાત, “કોઈ વ્યક્તિ જે ભાષા સમજે છે તે ભાષામાં તમે તેની સાથે વાત કરશો તો તે તેના મગજ સુધી પહોંચશે, પરંતુ તમે જો તેની પોતાની ભાષામાં તેની સાથે વાત કરશો તો તે તેના હ્રદય સુધી પહોંચશે.”

આવતા અંકમાં આપણે ગુજરાતીની કાઠિયાવાડી બોલી વિષે વિસ્તારથી જાણીશું.


Dr Vinu Chavda: Worked for Longman dictionary English to Gujarati, Microsoft Vista Gujarati, Bharatiya Bhasha Jyoti - Gujarati and other projects with Central Institute of Indian Languages; PhD research on Intonation Patterns of Gujarati; taught Gujarati Language to foreign students, and also worked with Educational Initiatives as a Language Expert for content developer, with Matrubhasha Abhiyan as a coordinator for language tasks. Right now working on Gujarati language Documentation project as a Post Doc. Fellow at Cape Town University.